જુની અદાવતનો ખાર રાખી બે પાડોશી પરિવારો વચ્ચે પથ્થરો અને કાચની બોટલના સામસામા છુટા ઘા - At This Time

જુની અદાવતનો ખાર રાખી બે પાડોશી પરિવારો વચ્ચે પથ્થરો અને કાચની બોટલના સામસામા છુટા ઘા


નવયુગપરા શેરીમાં જુની અદાવતનો ખાર રાખી બે પરિવારો વચ્ચે ઈંટ અને સોડાબોટલના સામસામા છુટા ઘા થતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે આઠ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે સાગરચોકમાં નવયુગપરા શેરી નં.2માં રહેતા સંગીતાબેન રવજીભાઈ મુછડીયા (ઉ.25)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભરત ઉર્ફે બબુ કેશુ વાઘેલા, નિરંજન ઉર્ફે હપુ કેશુ વાઘેલા, કીશોર વાઘેલા, રાહુલ કીશોર વાઘેલાનું નામ આપતા એ ડીવીઝન પોલીસે બીએનએસ એકટ 125-એ 352, 115(2), 54 હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે તેણી પોતાના ઘરે ઈમીટેશનનું કામ કરે છે. ગઈ તા.3-7ના રાત્રીના સમયે તેઓ ઘરની બહાર કચરો નાંખવા માટે નીકળેલ ત્યારે શેરીમાં થોડે દુર નિરંજન ઉર્ફે હપુ તે ઘર પાસેથી ગાળો બોલી નીકળતા તેણીએ ઘરે જઈ પરિવારને જાણ કરી હતી.
ત્યારબાદ તેમના માસી અને તેનો પુત્ર જયદીપ રાઠોડ ઘરે બેસવા આવેલ અને બાદમાં તેઓ ઘરે જવા નીકળેલ ત્યારે મોડીરાત્રે તેમના ભાઈ પ્રદીપને જયદીપનો ફોન આવેલ કે હું મારી માતાને ઘરે ઉતારી નાસ્તો લેવા ગુંદાવાડીમાં આવેલ બલદેવ હોટલે હતો ત્યારે નિરંજન ઉર્ફે હપુ તેનો ભાઈ ભરત ધસી આવેલ અને ફડાકા ઝીંકી તારો માસીનો પુત્ર પ્રદીપ અમારી સાથે અવારનવાર શું ઝઘડાઓ કર્યા રાખે છે તેમ કહી ગાળો આપવા લાગતા તે ત્યાંથી નીકળી ગયેલ હતો. જે બનાવ અંગે ઘરે વાત કરી હતી.
એકાદ મહિના પહેલા નિરંજન ઉર્ફે હપુ શેરીમાં ગાળો બોલતો હોય ત્યારે તેને ના પાડતા ઝઘડો થયેલ તેનો ખાર રાખી તેણીના માસીના પુત્રને રસ્તામાં ઉભો રાખી ફડાકા ઝીંકયા હતા. બાદમાં તેણીના પિતા રવજીભાઈ અને ભાઈ પ્રદીપ સહીતના લોકો નિરંજનને સમજાવવા તેના ઘરે જતા હતા ત્યારે ભરત ઉર્ફે બબુ નિરંજન તેમજ હપુના કાકા કિશોર વાઘેલા, રાહુલ વાઘેલા તેમની અગાશી પર ત્રીજા માળેથી ગાળો બોલી સોડાની ખાલી બોટલ શેરીમાં ઘા કરવા લાગેલ અને અવાજ આવતા તેણી તેમની બહેન સાથે ઘર બહાર નીકળતા તેણીની નાની બહેન વૈશાલીને સોડાની ખાલી બોટલનો કાચ ઉડીને પગમાં લાગતા ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં 108 મારફતે તેણીને સારવારમાં ખસેડેલ હતી.
જયારે સામાપક્ષે નવયુગપરા શેરી નં.2માં જ રહેતા ભરતભાઈ ઉર્ફે બબુ કેશુ વાઘેલા ઉ.27 એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રદીપ રવજી મુછડીયા, રવજી માવજી મુછડીયા, પ્રેમજી માવજી મુછડીયા, જયદીપ મોહન રાઠોડના નામ આપી જણાવ્યું હતું કે તેઓ મજુરીકામ કરે છે. ગઈ રાત્રીના તે નાસ્તો લેવા ગુંદાવાડીમાં બાઈક લઈ ગયેલ હતો ત્યારે બલદેવ હોટલ પાસે શેરીમાં રહેતો પ્રદીપ મુછડીયાના માસીનો પુત્ર જયદીપ તેનું એકસેસ લઈ પાછળ આવતો હોય અને હોર્ન મારતો હોય જેથી તેને શું કારણે હોર્ન મારે છે કહેતા જયદીપ ઉભો રહીને ગાળો આપવા લાગતા તેણે કહેલ કે તુ અને તારા માસીનો પુત્ર પ્રદીપ શા માટે અમારી સાથે અવારનવાર ઝઘડાઓ કરો છો તેમ કહેતા જયદીપ ઉગ્ર થઈ ગયેલ અને ગાળો દેવા લાગતા ફરિયાદી ઘરે ચાલ્યા ગયા હતા.
બાદમાં રાત્રીના સમયે શેરીમાં ગાળો બોલવાનો અવાજ આવતા તેઓ અને તેના ભાઈઓ ઘરની અગાશી પર જોવા માટે ચડતા શેરીમાં ઘર પાસે પ્રદીપ મુછડીયા, રવજી મુછડીયા, પ્રેમજી મુછડીયા અને જયદીપ રાઠોડ ગાળો બોલતા બોલતા ઘર પાસે આવતા હોઈ અને ચારેય શખ્સોએ ઈંટો અને ખાલી બોટલ ઘર પાસે ઘા કરવા લાગતા 100 નંબરમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી જેથી તેઓ ત્યાંથી નાસી છુટયા હતા.બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી એ ડીવીઝન પોલીસે આઠ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.