જામનગર શહેરમાં શનિવાર અને રવિવારના દિવસો દરમિયાન વધુ 80 ગૌવંશના લમ્પિ વાયરસના કારણે મોત
- શહેરી વિસ્તારમાં ગાયોની સારવાર અને વેક્સિનેશન માટેની સાત ટુકડીઓને મહાનગરપાલિકા દ્વારા દોડતી કરાવાઇજામનગર,તા 1 ઓગષ્ટ 2022,સોમવાર જામનગર શહેરમાં શનિવાર અને રવિવારના દિવસો દરમિયાન વધુ ૮૦ ગૌવંશના મૃત્યુ નીપજ્યા છે, અને મહાનગરપાલિકા દ્વારા તમામ ની અંતિમ વિધિ કરી લેવાઇ છે, જ્યારે ગૌવંશની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલી જુદી જુદી સાત જેટલી ટીમો દ્વારા ગાયોને રસીકરણ તેમજ સારવાર સહિતની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે. જેમાં આજે વધુ ૪ ટુકડીઓનો પણ ઉમેરો કરાયો છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં લમ્પિ વાયરસ ના કારણે ૮૦૦થી વધુ ગૌવંશના મૃત્યુ થઈ ગયાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે શનિવારે વધુ ૪૬ જ્યારે રવિવારે ૩૪ સહિત ૮૦ ગૌવંશના મૃત્યુ થયા છે, અને મહાનગરપાલિકા દ્વારા જામનગર નજીક ઠેબા ચોકડી પાસે મોટા ખાડાઓ બનાવી તેની અંતિમવિધિ કરી લેવામાં આવી રહી છે. જામનગર શહેરમાં લમ્પિ વાયરસના કારણે ગૌવંશના મૃત્યુને લઈને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ની અધ્યક્ષ સત્તાના મહાનગરપાલિકાની કચેરીમાં શનિવારે તાકીદની બેઠક યોજાઇ હતી, અને નવો એક્શન પ્લાન ઘડાયો હતો. જેના ભાગરૂપે રાજ્ય સરકાર તરફથી મોકલવામાં આવેલી પશુ ડોક્ટર સહિતની ટુકડી દ્વારા શનિવારથી વેક્સિનેશન તેમજ સારવાર માટેની સાત ટુકડીઓને દોડતી કરવામાં આવી છે. જેમાં એક પશુ ચિકિત્સક અને તેમની સાથે અન્ય ચાર સેવાભાવી કાર્યકરો સહિત પાંચ સભ્યોની ટીમ દ્વારા વેકસીનેશન શરૂ કરી દેવાયું છે. જામનગરના જાહેર માર્ગ ઉપર ફરતી ગાયો, તેમને અન્ય ગૌવંશ કે જેઓ લમ્પિ વાયરસગ્રસ્ત બની હોય, તેને સ્થળ પર જ સારવાર અને વેકશીન કરવામાં આવી રહ્યું છે. જે પ્રક્રિયા આજે સોમવારે પણ ચાલુ રખાઇ છે, અને વધુ ચાર ટુકડીઓને ઉમેરવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.