વાગરા: પખાજણ ગામે રહેણાંક મકાનમાં આગ લાગી, સદ્દનસીબે કોઈ જાનહાની નહીં, સ્થાનિકો સહિત ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો. - At This Time

વાગરા: પખાજણ ગામે રહેણાંક મકાનમાં આગ લાગી, સદ્દનસીબે કોઈ જાનહાની નહીં, સ્થાનિકો સહિત ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો.


સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ વાગરા તાલુકાના પખાજણ ગામે આગની ઘટના બની હતી. પખાજણ ગામે ગણેશ ખડકી વિસ્તારમાં આવેલ ઈમ્તિયાઝ રાયસંગ રાજના રહેણાંક મકાનમાં ગત રાત્રીના લગભગ 10 થી 11 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર રહેણાંક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઘરના સભ્યો સહિત ફળીયામાં પણ નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા GACL કંપનીના ફાયર કર્મીઓ ફાયર ટેન્ડર લઈ બનાવવાળી જગ્યાએ દોડી ગયા હતા. અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરુ કર્યો હતો. ઘટનાની જાણ વાયુ વેગે ગામમાં પ્રસરી જતા મદદ માટે ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

આગની ઘટના અંગે મકાન માલિક ઈમ્તિયાઝ રાયસંગ રાજના ભત્રીજા ઇમરાન ઈબ્રાહીમ રાજના જણાવ્યા પ્રમાણે ગત રાત્રીના લગભગ 10 થી 11 વાગ્યામાં અરસામાં ઘરના સ્ટોર રૂમમાં કપડાં, ગાદલા, અનાજ સહિતની સામગ્રી મુકેલ હતી. જ્યા નજીકમાં આવેલ ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં સ્પાર્ક થતા નજીકમાં મુકેલ કપડાં, ગાદલા સહિતના સામાનમાં આગ લાગી ગઈ હતી. આગની જાણ થતાંજ ઘરના સભ્યો સહિત મહોલ્લામાં અફરાતફરી મચી ગઇ હતી. પાણીનો મારો ચલાવી હાજર સૌ કોઈ આગ બુજવવાના પ્રયાસમાં જોતરાઈ ગયા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાંજ GACL ના ફાયર ફાઈટરો ફાયર ટેન્ડર સાથે બનાવવાળી જગ્યાએ આવી પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. જોકે ત્યાં સુધી તો અનાજ, કપડા, ગાદલા, રોકડ રકમ, જરૂરી ડોક્યુમેન્ટ સહિતનો અંદાજીત 4 થી 5 લાખનો ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો. મકાનમાં આગ લાગવાને કારણે ઘરના સભ્યો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. અને સરકાર તરફથી સહાય આપવામાં આવે તેવી આશ લગાવી બેઠા છે.
રિપોર્ટર: સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.