ગેસલીકેજને કારણે આગ: બાળકોને બચાવવા જતાં માતા દાઝી ગઈ

ગેસલીકેજને કારણે આગ: બાળકોને બચાવવા જતાં માતા દાઝી ગઈ


થોરાળા વિસ્તારમાં આજે એક મોટી દૂર્ઘટના બનતાં સ્હેજમાં અટકી ગઈ હતી. અહીં બાળકો માટે સવારે રસોઈ બનાવવા માટે ગેસનો ચૂલો ચાલું કરતાંની સાથે જ ગેસ લિકેજને કારણે આગ લાગી જતાં ઘરવખરી બળીને ખાક થઈ જવા પામી હતી.બીજી બાજુ આગ લાગી તે વખતે બાળકો અંદર જ હોય તેમને બચાવવા માટે માતાએ જીવ સટોસટની બાજી લગાવી દઈ તેમને હેમખેમ બહાર કાઢ્યા હતા. જો કે બાળકોને બચાવવા જતાં માતા દાઝી જતાં તેને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે નવા થોરાળા મેઈન રોડ ઉપર સાગર પાનની બાજુમાં આવેલા મકાનમાં રહેતા ભાવનાબેન રમેશભાઈ ચૌહાણ (ઉ.વ.42) આજે તેમના બે સંતાનો ઈશા અને યુવરાજને સ્કૂલે જવાનું હોવાથી તેમના માટે નાસ્તો તૈયાર કરી રહ્યા હતા. જો કે નાસ્તો બનાવવા માટે તેમણે જેવો ગેસનો ચૂલો શરૂ કર્યો કે અગાઉથી જ ગેસ સિલીન્ડરમાં લીકેજ હોવાને કારણે જોતજોતામાં આગ લાગી ગઈ હતી જેના કારણે ઘરવખરી સળગવા લાગી હતી. આ વેળાએ ભાવનાબેનના બાળકો ઘરમાં જ હોય તેમણે આગની પરવા કર્યા વગર બન્ને બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. જો કે આ કવાયત દરમિયાન તેમના નેણ સળગી ગયા હતા તો બન્ને હાથ પણ દાઝી ગયા હતા.
આગ લાગવાને કારણે પાડોશીઓએ ક્ષણભરનો વિલંબ કર્યા વગર પાણીનો મારો ચલાવતાં આગ સમયસર કાબૂમાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં ભાવનાબેન ચૌહાણ દાઝી ગયા હોવાથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવતાં તેમનો જીવ બચી ગયો હતો. જો કે તેમના હાથમાં ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે તો આગને કારણે મકાનમાં રહેલો તમામ સામાન બળી જતાં પરિવારને મોટું નુકસાન ગયું છે.
ભાવનાબેન ચૌહાણના જણાવ્યા પ્રમાણે તેમના પતિ રમેશભાઈ સ્કૂલવાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આ પ્રકારની આગને કારણે સામાન બળી જવાથી આર્થિક રીતે તેમને મોટો ફટકો લાગ્યો છે. બીજી બાજુ વિસ્તારમાં સિલીન્ડર ફાટ્યાને કારણે આગ લાગી હોવાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તો બાજુમાં જ આવેલા મકાનો સુધી આગ ન પહોંચે તેમજ તેમના સિલીન્ડરમાં વિસ્ફોટ ન થાય તે માટે તાકિદે તમામે ગેસ બંધ કરી દીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સદ્ભાગ્યે પાડોશીઓની સમયસુચકતાને કારણે પાણીનો મારો શરૂ થઈ જતાં આગ ઓલવાઈ ગઈ હતી અને મોટી દૂર્ઘટના બનતા સહેજમાં અટકી જતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »