સંસ્કાર સીટી રેસીડેન્સીના પાર્કિંગમાં કારખાનેદાર પર સગા ભાઇએ જ કાર ફેરવી દેતા મોતને ભેટયા’તા - At This Time

સંસ્કાર સીટી રેસીડેન્સીના પાર્કિંગમાં કારખાનેદાર પર સગા ભાઇએ જ કાર ફેરવી દેતા મોતને ભેટયા’તા


મવડી બાયપાસ રોડ રામધણ આશ્રમ પાસે સંસ્કાર સીટીમાં રહેતા ધર્મેન્દ્રભાઇ રીમલભાઇ રૈયાણી (ઉ.વ.39) એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ગત તા.3-9ના લોહીલુહાણ હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. જે બનાવમાં તેઓ કારમાંથી ઉતરતી વખતે પડી ગયા બાદ તેમના ભાઇએ કાર રીવર્સ લેતી વખતે તે ધર્મેન્દ્રભાઇ પર કાર ફેરવી દેતા મોતને ભેટયા હોવાનું સામે આવતા મૃતકની પત્નીએ જેઠ પ્રશાંત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે મવડી બાયપાસ રોડ પાસે આવેલ સંસ્કાર સીટીમાં રહેતા ધર્મિષ્ઠાબેન ધર્મેન્દ્રભાઇ રૈયાણીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રશાંત છગન રૈયાણીનું નામ આપતા તાલુકા પોલીસેે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણી સાસુ-સસરા અને બે દિકરીઓ સાથે રહે છે. તેમની સામેના ફલેટમાં જેઠ પ્રશાંતભાઇ અને તેમનો પરિવાર રહે છે.
ગત તા.3-9ના તેઓ પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે સવારના આઠેક વાગ્યે તેમના પતિ ધર્મેન્દ્રભાઇ અને જેઠ પ્રશાંતભાઇ રોજિંદા કામ મુજબ તેમના જેઠની કાર કિયા સેલ્ટો નં. જીજે 3 એલઆર 5443 લઇ પોતાના કામ પર જવા માટે નીકળેલ હતા. બપોરના તેણીના પતિનો ફોન આવેલ કે તેમને લોઠડા ગામ કામે જવાનું છે જેથી ટીફીન બનાવી રાખજો. ત્યારબાદ થોડીવારમાં તેણીના પતિ અને જેઠ ફલેટ પર આવેલ અને ટીફીન લઇ જતા રહેલ હતા.
રાત્રીના નવેક વાગ્યે તેમના સસરા છગનભાઇએ ફોનથી જાણ કરેલ કે ધર્મેન્દ્ર ફલેટના પાર્કિંગમાં પડી ગયેલ છે જેથી તેમના પાર્કિંગમાં દોડી જતા તેમના જેઠ સહિતના લોકો ભેગા થયેલ હતા અને તેણીના પતિ બેભાન હાલતમાં પડેલ હતા માથાના ભાગે લોહી નીકળતું જોવા મળેલ હતું. તેમને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા જયાં તેમનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું.
બાદમાં તેણીને જાણ થયેલ કે તેમના પતિ અને જેઠ પ્રશાંતભાઇ કારખાનેથી ઘરે પાર્કિંગ આવ્યા બાદ તેમના પતિ કારમાંથી નીચે ઉતરી પડી ગયેલ હતા તે દરમ્યાન તેણીના જેઠ પ્રશાંતભાઇ કાર પાર્કિંગમાં વ્યવસ્થિત પાર્ક કરતા હતા ત્યારે તેણીના પતિના માથા પર ફોર વ્હીલનું ટાયર ફરી વળતા ગંભીર ઇજા થવાથી તેમનું મોત થયાનું સામે આવતા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.