જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની બજેટ બેઠક યોજાઈ - At This Time

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની બજેટ બેઠક યોજાઈ


જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને
વર્ષ ૨૦૨૫-૨૬ની બજેટ બેઠક યોજાઈ
---------------
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ગીર સોમનાથના વર્ષ ૨૦૨૫-૨૬ની બજેટ બેઠક યોજાઈ હતી.

આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત ગીર સોમનાથ હેઠળ આવતા વિસ્તારનો સર્વાગી વિકાસ તેમજ ગ્રામ્ય પ્રજાની સેવા ઉપયોગી થવાના આશયથી તથા ગ્રામ્ય પ્રજા ઉપર કોઇપણ જાતના કરવેરા નાખ્યા સિવાય તેમજ જિલ્લા પંચાયત પાસે સ્વભંડોળની આવક સિમિત હોવા છતા આ પુરાંતલક્ષી અંદાજપત્ર રજુ કરવામાં "સૌનો વિકાસ" ના દ્રઢ નિર્ધાર સાથે તમામ સદસ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓના સંયુકત સહકારથી આ કામગીરી થઈ શકી છે તેનો મને આનંદ છે.

જિલ્લા પંચાયતની સ્વભંડોળની મર્યાદિત આવકને લક્ષમાં રાખી વિકાસને લગતી બાબતો ધ્યાને લઇ જિલ્લાનાં વિકાસનાં તમામ ક્ષેત્રોને આવરી લઈ વિકાસનાં મીઠા ફળોનો લાભ અંતરિયાળ ગામડાઓ સુધી અને છેવાડાનાં માનવી સુધી પહોંચાડી શકાય તેવી જોગવાઈઓ આ અંદાજપત્રમાં રાખવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સૌની ઉષ્મા અને લાગણી સભરનો સહયોગ હર હંમેશ મળી રહેશે. તેમજ આપણી જિલ્લા પંચાયતના આ વિકાસલક્ષી અંદાજપત્રને આવકારીને તેમજ સર્વાનુમતે મંજૂર કરીને જિલ્લાના સંર્વાગી તેમજ સાતત્યપૂર્ણ વિકાસમાં સૌ સહભાગી બને તેવી અપેક્ષા પણ તેમણે વ્યકત્ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, બજેટમાં વર્ષ ૨૦૨૫-૨૬ ના વર્ષની સ્વભંડોળની અંદાજીત ખુલતી સિલક રૂ.૧૦૫૩.૩૯ લાખ તથા અંદાજીત આવક રૂ.૪૧૨.૭૦ લાખ મળી કુલ અંદાજીત આવક રૂ.૧૪૬૬.૦૯ લાખની સામે અંદાજીત ખર્ચ રૂ.૪૯૮.૦૨ લાખના ખર્ચની જોગવાઇઓ કરી વર્ષના અંતે રૂ.૯૬૮.૦૭ લાખની પુરાંત રજૂ કરવામાં આવી છે.

વર્ષ ૨૦૨૫-૨૬ ના વર્ષના સ્વભંડોળ વિભાગમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓને તેમના વિસ્તારમાં વિકાસના કામો માટેની જોગવાઇ રૂ.૧૬૯.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ વિકાસ અને પંચાયત ક્ષેત્રે રૂ.૨૩૯.૦૦ લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂ.૭.૦૦ લાખ, પશુપાલન ક્ષેત્રે રૂ.૫.૦૦ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ.૨૮.૦૦ લાખ, બાંધકામ ક્ષેત્રે રૂ.૬૫.૫૦ લાખ, મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે રૂ.૪૦.૭૦ લાખ તેમજ પ્રકિર્ણ યોજના અને અન્ય કાર્યો માટે રૂ.૨૦.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

આ બેઠકમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડ, જિ.પં કારોબારી સમિતીના ચેરમેન શ્રી ડાયાભાઇ જાલોંધરા, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને તમામ શાખાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image