લીંબડીના પાણશીણા ગામે છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા સર્જાઈ.
તા.09/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામમાં એક માસથી પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ગામમાં 15 દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે. 15 દિવસે વિતરણ થતાં ગ્રામજનોને પાણી માટે રીતસરના વલખાં મારવાનો વારો આવ્યો છે. સાત હજારથી વધુ વસ્તીના ગામમાં લોકો નાછૂટકે વેચાતું પાણી લેવા મજબૂર બની ગયા છે. ટોકરાળા નજીક લાઈન લીકેજ થઈ જતા ત્યાં રોજ હજારો લીટર પાણીનો વ્યય થાય છે. જ્યારે પાણશીણા ગામના લોકોને પાણી માટે ફાંફા મારવાનો વારો આવ્યો છે આ અંગે પાણશીણા ગામના સરપંચ મેઘજીભાઈ રવોદરાએ જણાવ્યું હતું કે, પાણીની લાઈનમાં અનેક જગ્યાએ ભંગાણ થયું હતું, જેના કારણે ગામના સમ્પમાં ફોર્સથી પાણી આવતું નથી લાઈનમાં લીકેજ થયું તે બાબતે પાણી પુરવઠાના અધિકારીઓને જાણ કરી હતી. પરંતુ કોઈ ડોકાયું નહોતું. તેમણે પંદરેક દિવસ પહેલાં અમુક લિકેજ દૂર કર્યા હતા. પરંતુ ટોકરાળા નજીક પડેલું મોટું લિકેજનું સમારકામ કરવામાં આવ્યું નથી. જ્યાં સુધી તે લિકેજનું રિપેર નહીં થાય ત્યાં સુધી ગામમાં પાણીની સમસ્યા હલ થાય તેમ નથી લીંબડી પાણી પુરવઠાના ડેપ્યુટી ઈજનેર મનિષ પંડયાએ જણાવ્યું હતું કે, જે જગ્યાઓમાં લિકેજ દેખાયું હતું, ત્યાં થોડા દિવસ પહેલાં સમારકામ કર્યું હતું. ટોકરાળા પાસે લાઈનમાં ભંગાણ પડયું છે, તે જગ્યાએ પાણી સુકાઈ નહીં ત્યાં સુધી રિપેર કરવું શક્ય નથી. ટોકરાળા નજીક પડેલું લીકેજ રિપેર કરી દેવા એજન્સીને સૂચના આપી દીધી છે. એક-બે દિવસમાં સમારકામ થઈ જશે તેવો આશાવાદ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.