ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો - At This Time

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો


વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનો પ્રામાણિકતા, કર્તવ્યભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં સહભાગી બને :-રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત

યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૪૭ સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ તથા ૭૦ પીએચડી ના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ

પંચમહાલ,
બુધવાર :-પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મહાનુભાવોની ઉપસ્થિતીમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ ૪૭ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો અને પદવીઓ તથા ૭૦ પીએચડી ના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે સુવર્ણ ચંદ્રક વિજેતા અને પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભાશિષ પાઠવીને આજના દીક્ષાંત સમારોહના દિવસને વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુનિર્વિસટી સહિત સૌની માટે ગૌરવનો દિવસ ગણાવ્યો હતો.
રાજયપાલશ્રી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને પ્રામાણિકતા, કર્તવ્યભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં સહભાગી બનવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીએ આપેલા વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે કોલેજો, યુનિવર્સિટીઓ અને યુવાનો સમર્પણ ભાવ અને પરિશ્રમથી સહયોગ આપી રાષ્ટ્ર સેવામાં પ્રતિબધ્ધ બને તે જરૂરી છે.
રાજ્યપાલશ્રી એ શ્રી ગોવિંદ ગુરુ મહારાજ કે જેમણે અંગ્રેજોના સમયમાં આદિવાસીઓ ને એકત્રિત કરીને સ્વતંત્રતાની લડત માટે આંદોલન કર્યું હતું તેમને યાદ કર્યા હતા અને તેમના નામ ઉપર યુનિવર્સિટીનું નામ હોવાથી વિદ્યાર્થીઓમાં પ્રેરણાનો સંચાર સતત થતો રહેશે તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો.
તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજે તમે શૈક્ષણિક પરીક્ષા પાસ કરીને જીવનની અન્ય પરીક્ષાઓ તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છો ત્યારે તમારાથી જોડાયેલી સૌની અપેક્ષાઓ પણ વધશે. તમે શિક્ષિત થયા છો તેનો મતલબ કે તમે જવાબદાર થયા છો. જવાબદાર થયા છો તેનો અર્થ કે તમને તમારા કર્મની સમજ આવી છે. પોતાના માતાપિતા અને ગુરુના આદર ભાવ રાખવાથી કર્મની ખરી સમજણની શરૂઆત થાય છે.
રાજ્યપાલશ્રી એ વધુમાં ગીતા જયંતિના પાવન અવસરનો ઉલ્લેખ કરીને ભગવત ગીતામાં શ્રી કૃષ્ણએ આપેલો સૌથી મોટો ઉપદેશ કર્મયોગનો છે તેમ જણાવ્યુ હતુ. કર્મમાં કુશળતા મેળવવી એજ કર્મયોગ છે. બુધ્ધિ પુર્વક કરવામાં આવતું કર્મ અને ફળની આશા વિના કરવામાં આવતું કર્મ જ તમને જીવનમાં દુઃખ અને બંધનથી મુક્ત કરે છે. તમે કર્મશીલ બનીને સતત આગળ વધતા રહો અને પોતાની ફરજોનું નિર્વાહ કરતા રહો, જેવું કર્મ કરશું એવું ફળ મળશે અને શ્રેષ્ઠ કર્મ કરશું તો ક્યારેય જીવનમાં નાસીપાસ નહીં થવાય તેમ જણાવી રાજ્યપાલશ્રી યોગશાસ્ત્રમાં ઋષિ પતંજલિએ આપેલી જીવનોપયોગી સમજણને વિવિધ દષ્ટાંતો દ્વારા રજૂ કરી હતી.

આ વેળાએ ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ ગીતા જયંતિના દિવસે યોજાયેલ દીક્ષાંત સમારોહમાં પદવીઓ મેળવનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામ, વર્તમાનમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના જીવન દષ્ટાંત આપી વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તમે શિક્ષણનું જે ભાથું ગ્રહણ કર્યું છે તેમાં મૂલ્યનિષ્ઠા અને પ્રમાણિકતાને ગૂંથીને પોતાના કર્મ પથ પર નીડરતાથી વધવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને તમે અહીં મેળવેલા જ્ઞાન સાથે જીવનમાં સતત આગળ વધતા રહો અને અંત્યોદયના વિકાસમાં પ્રયાસરત રહો તથા જાતિવાદ જ્ઞાતિવાદ અને પ્રાંતવાદને મહત્વ ના આપીને રાષ્ટ્રવાદ ને સમર્પિત રહો તેવો અનુરોધ કરું છું.

આ તકે પાસંગિક ઉદબોધન કરતાં ગુજરાતના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ એ આગામી સમયમાં ભારતના શ્રેષ્ઠ ભાવિના નિર્માણમાં જેઓ પાયાની ભૂમિકા ભજવશે તેવા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સૌ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સફળતાની સાથે જીવનની કેડી પર પણ સફળતા મેળવી સૌને ગૌરવાન્વિત કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું તેમ જણાવ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હાથ કે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ યુનિર્વિસટીના તમામ વિદ્યાર્થીઓને સતત પ્રયાસરત રહી, પોતાના પર આત્મવિશ્વાસ રાખી, જીવનમાં જવાબદારીઓનું શ્રેષ્ઠ નિર્વાહ કરી શકે અને ધ્યેયસિધ્ધિ સાથે આગળ વધી શકે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.

ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પદવી મેળવવાનો દિવસ એ દરેક વિદ્યાર્થી માટે ખાસ હોય છે. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની ડિગ્રી મેળવીને સફળ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જીવનના દરેક મુકામે ડીગ્રી મેળવે અને સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને અત્યાર સુધી માણેલા વિદ્યાર્થી જીવનના શ્રેષ્ઠ સમયને હકારાત્મકતા સાથે આગળ ધપાવીને શ્રેષ્ઠ નાગરિક બનીને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ પાલનમાં પણ અચૂક આગળ રહો તથા દેશ સેવામાં પણ યોગદાન આપો તેવી શુભેચ્છા પાઠવી હતી.

પ્રારંભમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણે સૌનો આવકાર કરી પદવીધારકોને શુભેચ્છાઓ પાઠવી હતી તથા યુનિવર્સિટીએ છેલ્લા ૦૬ વર્ષમાં મેળવેલી સિદ્ધિઓનો ચિતાર રજુ કર્યો હતો. કાર્યક્રમના અંતમાં કુલસચિવ શ્રી અનિલભાઇ સોલંકીએ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ૪૭ સુવર્ણચંદ્રક તથા ૭૦ વિદ્યાર્થીઓને પીએચડી ની પદવી તેમજ કુલ ૧૭૧૮૬ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓ અંતગર્ત પદવીઓ એનાયત કરવામાં આવી હતી. તેમજ યુનિવર્સિટીને ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં સંપૂર્ણ નિષ્ઠા સાથે શ્રેષ્ઠ પરિણામ આપનાર અને મહત્વની ભૂમિકા ભજવનાર શ્રી એન.કે.ઓઝા નું મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, અગ્રણીઓ, પદાધિકારીઓ, વિવિધ વિદ્યાશાખાના ડીન, યુનિવર્સિટી સાથે સંલ્ગન કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકો, સુવર્ણ ચંદ્રક વિજેતા અને પદવીધારક વિદ્યાર્થીઓ સહિત વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.