ચૂંટણી તંત્રને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા હેઠળ ૨૮ દિવસમાં ૧૨.૬૭ લાખથી વધુ ફોર્મ પ્રાપ્ત થયા - At This Time

ચૂંટણી તંત્રને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા હેઠળ ૨૮ દિવસમાં ૧૨.૬૭ લાખથી વધુ ફોર્મ પ્રાપ્ત થયા


મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (SSR) તા.૧૨મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તા.૨૧મી અને ૨૮મી ઓગસ્ટ તથા તા.૦૪થી અને ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના ચાર રવિવાર ખાસ દિવસ તરીકે જાહેર કરી, મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા મળેલ અરજીઓનો નિકાલ કરી મતદાર યાદીને અદ્યતન કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
જે અંતર્ગત તા.૧૨મી ઓગસ્ટથી ૫મી સપ્ટેમ્બર,૨૦૨૨ સુધીમાં રાજ્યભરમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના ૫૧,૭૮૨ બુથ પર બુથ લેવલ ઑફિસર્સ તથા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરવા તેમજ સ્થળાંતર/સુધારા માટે ૧૨,૬૭,૪૨૧ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં નવા મતદાર તરીકેની નોંધણી માટે ૫,૯૨,૧૯૩ ફોર્મ નં.૦૬ તથા સ્થળાંતરના કારણે સરનામુ બદલવા, મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC (મતદાર ઓળખપત્ર) મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ઈચ્છતા નાગરિકો પાસેથ ૪,૯૦,૧૬૪ ફોર્મ નં.૦૮ સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ ૪૮,૦૪,૨૭૩ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાર યાદીમાં નોંધાયેલી પોતાની વિગતો સાથે આધાર નંબર લિંક કરાવ્યો હતો.
છેલ્લા ત્રણ રવિવાર દરમિયાન ખાસ ઝુંબેશના ઉપક્રમે રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરશ્રી તેમજ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને બુથ લેવલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવવા ઇચ્છતા મતદારો કે નવા મતદાર તરીકે નામ નોંધાવવા ઇચ્છુક યુવાનો માટે વધુ એક તક મળવાની છે.આગામી તા.૧૧મી સપ્ટેમ્બરને રવિવારના રોજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ચોથો અને અંતિમ તબક્કો યોજાનાર છે. જેમાં નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ પદનામિત અધિકારીઓ દ્વારા સવારના ૧૦.૦૦ કલાકથી સાંજના ૧૭.૦૦ કલાક સુધી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા અરજીઓ સ્વીકારવામાં આવશે.
મતદારો નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ સબંધિત ભાગની મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે. સાથે જ મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ (BLA) ના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે.
તા.૧૧મી સપ્ટેમ્બર,૨૦૨૨ સુધીમાં મળેલી અરજીઓના આધારે મતદારયાદીના મુસદ્દામાં દર્શાવેલ મતદારની વિગતોમાં ફેરફાર કરીને નવી સુધારેલી આખરી મતદારયાદી તા.૧૦મી ઓકટોબર, ૨૦૨૨ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.