જામનગરના વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધૂનનો 59માં વર્ષમાં મંગલ પ્રવેશ - At This Time

જામનગરના વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધૂનનો 59માં વર્ષમાં મંગલ પ્રવેશ


- ગૌરવવંતા પવિત્ર દિવસે મંદિરમાં મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમમોમાં જોડાવા ટ્રસ્ટી મંડળ નો ભક્તજનોને અનુરોધજામનગર,તા 1 ઓગષ્ટ 2022,સોમવારછોટી કાશીના નામથી પ્રચલિત એવી દેવાલયોની નગરીમાં લાખોટા તળાવની પાળે સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીનું મંદિર આવેલું છે, જે મંદિર અખંડ રામધૂનને લઈને વિશ્વપ્રસિદ્ધ બન્યું છે, ત્યારે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ૧.૮.૨૦૨૨ ના દિવસે અખંડ રામધૂન ૫૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે આ ગૌરવ વંતા પવિત્ર દિવસે મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.બ્રહ્મલીન પૂજ્ય પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા આજથી ૫૮ વર્ષ પહેલા ૧ ઓગસ્ટના દિવસે બાલા હનુમાનજીના મંદિરમાં અખંડ રામધૂન ના પાઠ શરૂ કર્યા હતા, અને તે રામધૂન આજ પર્યંત અવિરત અને અખંડ રીતે ચાલી રહી છે, અને ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. જ્યારે લીમકા બુક ઓફ રેકોર્ડમાં પણ રામધૂન ની નોંધ લેવાયેલી છે. ત્યારે આજે જામનગર શહેર માટે વધુ એક ઇતિહાસ રચાઇ રહ્યો છે. સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં ચાલી રહેલી રામધૂન આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે, અને આજે ૨૧,૧૮૩માં દિવસે પણ અખંડ રામધૂન ચાલી રહી છે. જામનગર શહેરમાં પુર, વાવાઝોડું, ધરતીકંપ સહિતની અનેક આપદાઓ આવી ગઈ હોવા છતાં અખંડ રામધૂનના જાપ અવિરત ચાલુ જ રહ્યા છે, ત્યારે આજે અખંડ રામધૂનના સ્થાપના દિનની સ-વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી સજજ બનાવી દેવાયું છે. બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ,ઉપરાંત વિનુભાઈ તન્ના સહિતના અન્ય ટ્રસ્ટીઓ દ્વારા આજના ગૌરવવંતા પવિત્ર દિવસની ઉજવણી વિશેષ રૂપે થાય તે માટેનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે સંગીતમય રીતે અખંડ રામધૂનના જાપની સાથે સાથે સાંજે ૭.૩૦ વાગ્યાથી ૮.૦૦ વાગ્યા સુધી મહા આરતી કરવામાં આવશે, તેમજ પ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેથી આજના મહા આરતી સહિતના કાર્યક્રમોમાં દિવ્ય દર્શનનો લાભ લેવા માટે દરેક ભક્તજનોને ટ્રસ્ટી મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.