વિસનગરના કુવાસણા, ગુંજા અને સેવાલીયાના 53 ખેડૂતો જમીન વળતરથી વંચિત
મહેસાણા, તા.20વિસનગર તાલુકાના કુવાસણા-સુંશી-સેવાલીયા-ગુંજા રોડ બનાવવા માટે વર્ષ ૨૦૧૦ માં સંપાદિત કરેલી જમીનનુ વળતર ૫૩ ખેડૂતોને આજદિન સુધી મળ્યુ નહી હોવાનુ જાણવા મળ્યુ છે. વિસનગરની સિવિલ કોર્ટે વર્ષ ૨૦૧૭ માં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને હુકમ કર્યો હોવા છતાં જિલ્લા પંચાયતના અધિકારીઓના પેટનુ પાણી પણ હાલતુ નહી હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. ૬ માસ અગાઉ કોર્ટમાંથી જપ્તી વોરંટ મેળવીને જંગમ મિલકતની જપ્તી કરતા સમયે આપેલી ૧૨૦ દિવસની મુદત પછી પણ અધિકારીઓએ વળતર નહી ચુકવતા વળતરથી વંચિત ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.કુવાસણા-સુંશી-સેવાલીયા-ગુંજા રોડ બનાવવા માટે સેવાલીયાના જશવંતકુમાર ભોળાભાઈ પટેલ, કુવાસણાના ભીખાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અને રમેશ પરસોત્તમભાઈ પટેલ સહિત કુવાસણા, સેવાલીયા અને ગુંજાના ૫૩ ખેડૂતોની જમીન વર્ષ ૨૦૧૦માં સંપાદન કરવામાં આવી હતી. જમીન સંપાદન અધિકારી યુનિટ-૧, મહેસાણા દ્વારા પ્રતિ ચોરસ મીટરે રૃપિયા ૩૬.૫૦ નુ વળતર જાહેર કરાતા ખેડૂતોએ વાંધા સાથે સ્વીકારીને વળતરથી નારાજ થઈ વર્ષ ૨૦૧૩ માં વિસનગરની સિવિલ કોર્ટમાં ધા નાખી હતી. વિસનગરની સિવિલ કોર્ટે વર્ષ ૨૦૧૭ માં કુવાસણાના ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે રૃપિયા ૨૬૪.૯૧ અને સેવાલીયા-ગુંજાના ખેડૂતોને રૃપિયા ૨૭૧.૭૧ નું વળતર ચુકવવા હુકમ કર્યો હતો. સદર હુકમ અન્વયે વળતર નહી ચુકવતા ખેડૂતોએ કોર્ટમાં દરખાસ્ત કરતાં ડિસેમ્બર-૨૦૨૧ માં કોર્ટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની કચેરીમાંથી જંગમ મિલકતની જપ્તી કરવા જપ્તી વોરંટ કાઢ્યુ હતુ. ખેડૂતો જંગમ મિલકતની જપ્તી કરવા પહોંચતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ ૧૨૦ દિવસમાં વળતર ચુકવી દેવાની મુદત માંગી હતી. તેથી ખેડૂતોએ જપ્તી કરવાનુ ટાળ્યુ હતુ. ૧૮૦ દિવસ થવા છતાં વળતર નહી ચુકવતાં બીજુ જપ્તી વોરંટ કઢાવી ખેડૂતો સોમવારે જિલ્લા પંચાયતમાં પહોંચ્યા હતા. માર્ગ અને મકાન વિભાગના અધિકારી મીટીંગમાં વ્યસ્ત હોવાથી મંગળવારે જપ્તી કરવાનો નિર્ણય કરીને ખેડૂતો પરત ફર્યા હતા. ટૂંકમાં, જમીન સંપાદન કચેરી અને જિલ્લા પંચાયતના અધિકારીઓની બેદરકારીના કારણે કુવાસણા, સેવાલીયા, ગુંજાના ખેડૂતો સિવિલ ર્કોર્ટના હુકમના પાંચ વર્ષ પછી પણ સંપાદિત થયેલી જમીનના વળતરથી હજુ સુધી વંચિત રહ્યા છે.ખેડૂતોએ બીજી વખત જપ્તી વોરંટ કઢાવ્યુંસેવાલીયાના જશવંત પટેલને રૃપિયા ૭,૮૮,૦૦૬, કુવાસણાના ભીખા પટેલને રૃપિયા ૬,૪૬,૬૯૧ અને કુવાસણાના રમેશ પટેલને રૃપિયા ૬,૭૫,૭૪૯ નુ વળતર ચુકવાયુ નથી. વિસનગરની સિવિલ કોર્ટે વર્ષ ૨૦૧૭ માં વળતર ચુકવી દેવા હુકમ કર્યો હતો. તેમ છતાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે આજદિન સુધી વળતર ચુકવ્યુ નથી. ત્રણેય ખેડૂતોએ ડિસેમ્બર-૨૦૨૧ માં કોર્ટમાંથી જપ્તી વોરંટ મેળવીને જંગમ મિલકતની જપ્તી કરવાની કાર્યવાહી કરતા ૧૨૦ દિવસની મુદત આપવામાં આવી હતી. મુદત આપ્યાને ૧૮૦ દિવસ થવા છતાં વળતર નહી ચુકવાતા ખેડૂતોએ બીજુ જપ્તી વોરંટ કઢાવ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.