અમદાવાદનો કિન્નર સમુદાય લોકશાહીના મહાપર્વમાં એકજૂથ થઇને મતદાન કરવા ઉત્સુક.
મત કરવાનો હક્ક બંધારણે આપ્યો છે જો આપણે અન્ય હક્ક માટે હરહંમેશ સજાગ રહેતા હોઇએ તો મત કરવાના હક્કને ફરજ સમજીને કેમ અદા ન કરી શકીએ? આ શબ્દો છે અમદાવાદ શહેરના કિન્નર સમુદાયના અગ્રણી કશીશદે પાવૈયાના.
વર્ષ ૨૦૧૪થી સુપ્રીમ કોર્ટ દ્વારા કિન્નર સમુદાયને 'અન્ય જાતિ' કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે ત્યારથી અમને ટ્રાન્સજેન્ડર તરીકે સ્વતંત્ર રીતે મતદાન કરવાનો હક્ક મળ્યો છે.
કશીશદે પાવૈયા જમાલપુર અખાડામાં વર્ષોથી રહે છે.તેમની સાથે મોટી સંખ્યામાં કિન્નર સમુદાયના લોકો રહે છે, જેઓ કશીશબાને પોતાના ગુરુ માને છે. આ કિન્નર સમુદાયના લોકો જેઓ મતદાતા તરીકે નોંધાયેલા છે અને જેમનું ચૂંટણી કાર્ડ છે તેઓ દરેક ચૂંટણીમાં અચૂકથી મતદાન કરે છે.
દિવાળી, હોળી, રક્ષાબંધન જેવા તહેવારોની જેમ જ ચૂંટણીને પણ ખરા અર્થમાં તેઓ એક અવસર અને ઉત્સવ માને છે. અવસર ગમતા ઉમેદવારને ચૂંટવાનો, અવસર પોતાને મળેલા હક્કને ઉજાગર કરવાનો,અવસર સમાજમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવ ચૂંટણીમાં મતદાન પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો, આ અવસરને તેઓ લોકશાહીનો સૌથી મોટો અવસર સમજે છે.
અન્ય એક કિન્નર શિલ્પા દે પાવૈયા કહે છે કે, ચૂંટણી એક હરખનો અવસર છે. બંધારણે કિન્નર સમાજને હક્કથી જીવવાનો અધિકાર આપ્યો છે. મત આપવાનો અને મનપસંદ નેતા અને સરકાર ચૂંટવાનો આપણને હક્ક છે ત્યારે મતદાન અચૂકથી કરીને આ અવસરમાં સહભાગી બનવું જોઇએ. અમારા કિન્નર સમુદાયના લોકો એકસાથે ભેગા મળીને વોટ કરવા જશે. વધુમાં તેઓ સમાજના દરેક વર્ગ, સમુદાય, યુવા, પુરુષ , સ્ત્રી, અને દિવ્યાંગ મતદારોને પણ જરૂરથી મતદાન કરવા માટેની અપીલ કરે છે. અત્રે નોંધનીય બાબાત એ છે કે, અમદાવાદના જમાલપુર અખાડામાં રહેતા કિન્નર સમુદાયના લોકોમાં જેટલા પણ લોકો અન્ય જાતિ તરીકે નોંધાયેલા છે તેઓ બધા ચૂંટણીમાં ઉમંગ, ઉત્સાહ અને ગર્વભેર મતદાન કરવા અચૂક જાય છે. આમાંથી ઘણાંય એવા લોકો છે, જેઓ છેલ્લાં ૩૫થી ૪૦ વર્ષમાં એક પણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી. તેઓએ દરેક ચૂંટણીમાં મત આપ્યો છે, કેમકે તેઓ મતની તાકાત સમજે છે. મત આપીને તેમને આત્મસંતોષ થાય છે.
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.