રાજકોટ: ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચાર હજાર લીટર ડુપ્લીકેટ દુધ સાથે બે શખ્સો ઝડપાયા - At This Time

રાજકોટ: ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચાર હજાર લીટર ડુપ્લીકેટ દુધ સાથે બે શખ્સો ઝડપાયા


શહેરમાં તહેવાર ટાણે પોલીસ સક્રિય બની છે. મીઠાઇઓ અને દૂધની બનાવટમાં ભેળસેળ થતી અટકાવવા અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં અટકાવવાની કામગીરી પણ પોલીસ કરી રહી છે. આ ઉપરાંત તહેવારના દિવસોમાં બૂટલેગરો મેદાને આવી જતાં હોઇ તેની સામે પણ પોલીસ સતર્ક બની છે. શહેરની લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) ઝોન-1ની ટીમે આ બંને પ્રકારની કામગીરી કરી છે.
જેમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 4000 લિટર ભેળસેળીયુ અખાદ્ય દૂધ ભરેલા ટેન્કર સાથે વંથલી પંથકના બે શખ્સને દબોચી લીધા છે. જન્માષ્ટમી વર્ષ દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને દૂધની બનાવટ તથા મીઠાઇઓમાં ભેળસેટ ન થાય તે જોવાનું કામ આરોગ્યને લગતાં જે તે વિભાગોને જોવાનું હોય છે. પરંતુ પોલીસ સમયાંતરે આવી પ્રવૃતિ ઉઘાડી પાડી ભેળસેળીયાઓને દબોચી લે છે.
એલસીબી ઝોન-1ની ટીમના પીએસઆઇ આર. એચ. કોડીયાતર અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળતાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે પુલ નજીક વોચ રાખી જીજે03બીવી-7293 નંબરનું ટેન્કર અટકાવી તલાસી લેતાં અંદર 4000 લિટર દૂધ હોવાનું માલુમ પડયું હતું. આ દૂધ બનાવટી ભેળસેળીયું હોવાની માહિતી હોઇ પોલીસે મનપાની આરોગ્ય શાખાને જાણ કરતાં અધિકારીની ટીમે પહોંચી તપાસ કરતાં દૂધ અખાદ્ય હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપતાં પોલીસે રૂા. 1,80,000નું દૂધ તથા પાંચ લાખનું ટેન્કર મળી રૂા. 6,80,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ટેન્કરમાં બે શખ્સો બેઠા હોઇ તેની પુછતાછ કરતાં પોતાના નામ સાજણ લાખાભાઇ કરમટા (રબારી) (ધંધો દૂધનો વેપાર, રહે. ધણફુલીયા તા. વંથલી-જુનાગઢ) અને જીગર માલદેભાઇ ગમારા (ભરવાડ) (ધંધો દૂધનો-રહે. ઝાપોદર તા. વંથલી-જુનાગઢ) જણાવ્યા હતાં. આ બંને શખ્સોએ પ્રાથમિક પુછતાછમાં દૂધમાં પાવડર, ઓઇલ સહિતની ચીજવસ્તુ ભેળવતાં હોવાનું અને ગાંધીનગરના દહેગામની ડેરી ખાતે આ ભેળસેળીયુ, બનાવટી દૂધ આપવા માટે જઇ રહ્યાનું રટણ કર્યુ હતું. તેમજ ત્યાંથી ઓર્ડર મળે એ પ્રમાણે ત્રણ-ચાર દિવસે આવા દૂધનો ફેરો કરતાં હોવાનું પણ રટણ કર્યુ હતું. દૂધના નમુના લેવામાં આવ્યા હોઇ તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.