કડક ઉઘરાણી:પહેલા રૂ.123 કરોડ ચૂકવો પછી નર્મદાના નીર માંગો!

કડક ઉઘરાણી:પહેલા રૂ.123 કરોડ ચૂકવો પછી નર્મદાના નીર માંગો!


ચોમાસા સુધી રાજકોટવાસીઓને નિયમીત 20 મીનીટ સુધી પીવાનું પાણી પુરૂં પાડી શકાય તે માટે તાજેતરમાં કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ 1350 એમસીએફટી નર્મદાના નીરની માંગણી કરી છે. પત્ર મળતાની સાથે જ સિંચાઇ વિભાગના અધિકારીઓએ કોર્પોરેશન પાસે જૂની 123 કરોડની ઉઘરાણી કરી છે. અગાઉ આપવામાં આવેલા પાણીની બાકીની રકમ ચૂકવ્યા બાદ નવા નીરની માંગણી કરવા કડક તાકીદ કરી છે.
રાજકોટવાસીઓની જળ જરૂરિયાત સંતોષતો આજી ડેમ આગામી 15મી ફેબ્રુઆરીએ જાણે ન્યારી-1 ડેમ મે માસના અંતમાં ડુકી જશે. આવામાં શહેરીજનોને નળ વાટે નિયમિત 20 મિનિટ પીવાનું પાણી પુરૂં પાડી શકાય તે માટે મ્યુનીસિપલ કમિશનર અમિત અરોરાએ રાજ્ય સરકારને એક પત્ર લખ્યો છે. જેમાં આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 1050 અને ન્યારી-1 ડેમમાં 300 એમસીએફટી સહિત કુલ 1350 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરી છે. આજી ડેમમાં 25મી જાન્યુઆરીથી નર્મદાનું પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી છે. જ્યારે ન્યારી-1 ડેમમાં મે માસથી પાણી ઠાલવાની માંગણી કરી છે.
પાણી વેરામાં કોર્પોરેશન દ્વારા તોતીંગ સબસિડી આપવામાં આવે છે. જેના કારણે કોર્પોરેશન પર પાણીનું દેવું 1120 કરોડ રૂપીયાએ આંબી ગયું છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા સૌની યોજના અંતર્ગત 1350 એમસીએફટી પાણીની માંગણી કરવાની સાથે જ સિંચાઇ વિભાગ દ્વારા ફરી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. સૌની યોજના અંતર્ગત 2017 થી રાજકોટને ફાળવવામાં આવતું નર્મદાના નીર પેટે જે 123 કરોડનું બાકી લ્હેણુ નિકળી છે તે ભર્યા બાદ નવા નીરની માંગણી કરવા તાકીદ કરી છે. જો કે દર વખતે જ્યારે-જ્યારે કોર્પોરેશન દ્વારા નર્મદાના નીરની માંગણી કરે છે ત્યારે-ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા જૂની ઉઘરાણીની કરવામાં આવે છે.
જો કે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓને એવો વિશ્ર્વાસ છે કે નર્મદાના નીરનું ભલે કરોડો રૂપીયાનું લ્હેણુ હોય રાજ્ય સરકાર દ્વારા આવતા સપ્તાહથી રાજકોટને નર્મદાના નીર આપવાનું શરૂ કરી દેવાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »