મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પોરબંદર સુદામા મંદિર ખાતે સફાઈ શ્રમદાનમાં સહભાગી થયા - At This Time

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પોરબંદર સુદામા મંદિર ખાતે સફાઈ શ્રમદાનમાં સહભાગી થયા


મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરમાં મુખ્યમંત્રીશ્રીના શ્રમદાનથી લોકોને પ્રેરણા મળી*

ગોસા(ઘેડ)પોરબંદર, તારીખ:૦૨-૧૦-૨૦૨૪
મહાત્મા ગાંધીજી વ્યકિતગત અને સામૂહિક સ્વચ્છતાના જીવનભર આગ્રહી રહ્યાં હતાં. "સારી સાફસફાઈથી જ ભારતના ગામોને આદર્શ બનાવી શકાય છે" એવી મહાત્મા ગાંધીની વિચારસરણી હતી. પૂજ્ય ગાંધીજીની આ પથદર્શક વિચારસરણીને અનુલક્ષી ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદર સુદામા મંદિર ખાતે શ્રમદાનમાં સહભાગી બન્યાં હતાં.
સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાલક્ષી જનજાગૃતિ સુદ્રઢ કરવા રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન થકી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતાનું કાર્ય વેગવંતુ બન્યું છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્તિગત રીતે સુદામા મંદિર પરિસરમાં શ્રમદાન કરી 'સ્વચ્છતા હી સેવા અભિયાન'માં પોતાની સહભાગીદારી નોંધાવી હતી.
આ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી કલાકૃતિ પણ નિહાળી હતી અને સુદામાજીના દર્શન કરી મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
ઉલ્લેખનીય છેકે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સમગ્ર રાજ્યમાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, 'એક પેડ મા કે નામ', સ્વચ્છતા શપથ, ભીંત ચિત્રો, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, સાઈકલોથોન, માનવ શૃંખલા દ્વારા સંદેશ, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ, શેરી નાટક, સ્વચ્છતા સંવાદ, વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ જેવી અનેક સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તી થકી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
સુદામા મંદિર ખાતે શ્રમદાનમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, પોરબંદર-છાંયા નગરપાલિકા પ્રમુખ શ્રી ડૉ. ચેતનાબેન તિવારી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવ શ્રી રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી,
નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.એમ.રાયજાદા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી.ઠક્કર, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી ઉપસ્થિત રહ્યાં હતાં.
*રિપોર્ટર :-વિરમભાઇ કે. આગઠ*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image