ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામકનો વચેટિયો બે લાખની લાંચ લેતાં ઝડપાયો, ફ્લાઈંગ સ્કવોડ દ્વારા હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગવામાં આવી હતી, નાસી છૂટેલા મદદદનીશ નિયામક નરેશ જાની વોન્ટેડઃ ઘટનાને પગલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓમાં ફફડાટ - At This Time

ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામકનો વચેટિયો બે લાખની લાંચ લેતાં ઝડપાયો, ફ્લાઈંગ સ્કવોડ દ્વારા હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગવામાં આવી હતી, નાસી છૂટેલા મદદદનીશ નિયામક નરેશ જાની વોન્ટેડઃ ઘટનાને પગલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓમાં ફફડાટ


શહેરના સીમાડા વિસ્તારમાં આજે એક કાર્ટિંગની ઓફિસમાં ખાણ ખનીજ વિભાગમાં ફ્લાઈંગ સ્કવોડમાં ફરજ બજાવતાં મદદનીશ નિયામક વતી લાંચ લેતાં વચેટિયાને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ખાણ ખનીજ વિભાગમાંથી રોયલ્ટી પરમીટના આધારે રેતી ખનની કામગીરીમાં કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગવામાં આવી હોવાની પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે. એસીબીની ટીમ દ્વારા લાંચ લેવા માટે આવેલ વચેટિયાની ધરપકડ કરવાની સાથે સાથે મદદનીશ નિયામક નરેશ જાનીને વોન્ટેડ જાહેર કર્યો છે.
ઘણા સમયથી ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓ - કર્મચારીઓનાં મેળાપીપણામાં રેતીખનનનું દૂષણ સતત વધી રહ્યું હોવાના આક્ષેપો સતત ઉઠી રહ્યા છે. આ દરમિયાન હાલમાં જ રોયલ્ટી પરમીટના આધારે ભાઠા વિસ્તારમાં રેતી ખનની કામગીરી કરનાર પરવાનાધારકને ફ્લાઈંગ સ્કવોડમાં ફરજ બજાવતાં મદદનીશ નિયામક નરેશ જાની દ્વારા કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવાના નામે બે લાખ રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી. જો કે, પરમીટધારક દ્વારા લાંચ આપવાને બદલે એન્ટી કરપ્શન વિભાગના અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેને પગલે એસીબીની ટીમે લાંચિયા અધિકારી અને તેના વચેડિયાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી તરફ પરમીટ ધારકે આજરોજ સરથાણા જકાતનાકા ખાતે રહેતા અને મદદનીશ નિયામક નરેશ જાનીના વચેટિયા કપીલ પરસોત્તમ પ્રજાપતિને જુના સીમાડા ખાતે બોલાવ્યા હતા. જ્યાં મહાદેવ કાર્ટીંગની ઓફિસમાં ફરિયાદીએ કપીલ પ્રજાપતિને બે લાખ રૂપિયાની લાંચ આપતાં જ એસીબીની ટીમે છટકું ગોઠવીને આરોપી કપિલ પ્રજાપતિને રંગે હાથ ઝડપી લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ જિલ્લા કલેકટર કચેરીમાં થતાં જ ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતાં અધિકારી - કર્મચારીઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે. હાલમાં એસીબીની ટીમ દ્વારા કપીલ પ્રજાપતિની ધરપકડ કરવાની સાથે સાથે નાસી છૂટેલા નરેશ જાનીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અમદાવાદ એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરજ બજાવતાં મહિલા પીઆઈ એ.કે. ચૌહાણ દ્વારા ઘટના અંગે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.