રહેણાંક બાંધકામની મંજુરી મેળવી કોમર્શિયલ ઉપયોગ થતાં ડભોઈની આયુષ સોસાયટીનાં રહીશો પ્રતિક ધરણાં ઉપર બેઠાં - તંત્ર સામે રોષ ઠાલવ્યો  - At This Time

રહેણાંક બાંધકામની મંજુરી મેળવી કોમર્શિયલ ઉપયોગ થતાં ડભોઈની આયુષ સોસાયટીનાં રહીશો પ્રતિક ધરણાં ઉપર બેઠાં – તંત્ર સામે રોષ ઠાલવ્યો 


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

તાજેતરના દિવસોમાં ડભોઇ નગરપાલિકાનું વહીવટી તંત્ર ડભોઇ નગરમાં બિનઅધિકૃત રીતે બાંધકામ કરી ઉપયોગ કરતા તત્વો સામે માયકાંગલુ સાબિત થઇ રહ્યું છે. નગરમાં અસંખ્ય જગ્યાએ રહેણાંકના બાંધકામની મંજુરી મેળવી તે જગ્યાઓનો કોમર્શિયલ ઉપયોગ કરતાં ઈસમો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં ડભોઇ નગર પાલિકાનું તંત્ર " નહોર વગરના વાઘ સમાન " સાબિત થઇ રહ્યું છે. જેના કારણે નગરમાં આવા બિનઅધિકૃત બાંધકામ કરી ઉપયોગ કરતા ઇસમોની જીગર ખુલી જવા પામી છે અને પાલિકાના તંત્રને ગણકારતા પણ નથી. કારણકે, ડભોઇ નગર પાલિકાનું તંત્ર આવા ઈસમો સામે માત્ર કાગળ ઉપરની નોટિસો ઈસ્યુ કરે છે, પરંતુ કોઈપણ પ્રકારના શિક્ષાત્મક પગલા ભરાતા નથી અથવા તો આવા પગલાં ભરવામાં નગર પાલિકાનું તંત્ર વ્હાલા-દવલાની નીતિ અપનાવી રહ્યું હોવાથી ડભોઇ નગરના નાગરિકોમાં તંત્ર સામે ભયંકર રોષ ભભૂકી ઉઠયો છે.

             જાણવા મળતી વિગત મુજબ આયુષ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં મકાન નંબર - ૫૭ ના મકાનમાલિક દ્રારા આ જ પ્રમાણે રહેણાંકના બાંધકામની મંજુરી મેળવી એ જગ્યાનો કોમર્શિયલ જગ્યા તરીકે એટલે કે બેંક જેવી કોમર્શિયલ પ્રવૃતિ માટે ઉપયોગ કરવાનાં હેતુથી બાંધકામ કરેલ છે. આ મકાનનાં માલિકને સોસાયટી દ્વારા કોર્મિશયલ ઉપયોગ કરવાની કોઇ મંજૂરી કે પરવાનગી આપવામાં આવેલ નથી. છતાં પણ તંત્રએ આ બાબતે કાયદેસરના કડક પગલાં ભર્યા નથી. પાલિકા તંત્રએ ૩/૧૦/૨૦૨૦ ના રોજ આ મકાન માલિકને મંજૂરી મેળવેલ નકશા મુજબનું બાંધકામ કર્યુ ન હોવાની અને મંજૂર થયેલ નકશા સિવાયનાં બાંધકામ દૂર કરવા તેમજ તેનો ઉપયોગ કરવો નહીં તેમ જણાવતી નોટિસ આપી હતી. તેમજ સોસાયટીનાં રહીશોએ આ બાબતે વિવિધ સરકારી વિભાગોમાં પણ રજૂઆતો કરી હતી. આજે બે વર્ષ ઉપરાંતનો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં ન આવતાં આજે સોસાયટીનાં રહીશો સામૂહિક રીતે પ્રતિક ઉપવાસ ઉપર બેઠાં હતાં અને રામધૂન કરી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતે કેવાં પગલાં ભરે છે.

       ડભોઇ નગરમાં આવા અસંખ્ય રહેણાંક મકાનોનો કોમર્શિયલ ધોરણે ઉપયોગ થઈ રહ્યા છે જેવા કે, બેંકો શાળાઓ, ટ્યુશન ક્લાસીસ,  દવાખાનાઓ, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, હોટલો, ગેસ્ટ હાઉસો વગેરે તેમ છતાં નગરપાલિકાના તંત્રનાં પેટનું પાણી હાલતું નથી. પરંતુ નાના અને નિર્દોષ નાગરિકોને ભોગ બનવું પડે છે. જેથી આ બાબતે ઉચ્ચ અધિકારીઓ આગળની કડક કાર્યવાહી કરે તેવી નગરજનોની માંગ જોવા મળી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon