14 વર્ષની પ્રેમિકાને 23 વર્ષના યુવાને ઑડિશાથી ભગાવી લાવી સાથે ફાંસો ખાધો
- લુમ્સ ખાતામાં કામ કરતો અને લીંબાયત મદનપુરામાં રહેતો સિબારામ 9 વર્ષ નાની પ્રેમિકાને ભગાડી અઠવાડીયા પહેલા જ સુરત આવ્યો હતો - ઘર નજીક રહેતા પિતા બુધવારે રાત્રે યુવાનના ઘરે પહોંચ્યા ત્યારે બંનેના મૃતદેહ લટકતા મળ્યા સુરત, : સુરતના લીંબાયત મદનપુરા વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન વતન ઓરિસ્સાથી 14 વર્ષની પ્રેમિકાને ભગાવી અઠવાડીયા અગાઉ સુરત આવ્યો હતો. જોકે, ગત રાત્રે બંને રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને સુરતમાં લીંબાયત મદનપુરા ગલી નં.2 પ્લોટ નં.127 બીજા માળે પત્ની સાથે રહેતા અને મજૂરીકામ કરતા 55 વર્ષીય ધોબા અરકીત જેનાનો 23 વર્ષીય પુત્ર સિબારામ તેમના ઘર નજીક પ્લોટ નં.131 ના પહેલા માળે રૂમ નં.6 માં રહેતો હતો અને લુમ્સના કારખાનામાં નોકરી કરતો હતો. સિબારામ દોઢેક મહિના પહેલા વતન ગયો હતો અને ત્યાંથી 14 વર્ષની પ્રેમિકાને ભગાડીને અઠવાડીયા અગાઉ વતનથી સુરત પરત આવ્યો હતો અને તેની સાથે રૂમમાં રહેવા લાગ્યો હતો.ગત બપોરે સિબારામ માતાપિતાને મળીને ગયા બાદ રાત્રે આઠ વાગ્યે તેના પિતા તેના રૂમ પર પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખટખટાવવા છતાં અંદરથી કોઈ જવાબ નહીં મળતા તેમણે બારીમાંથી જોયું તો સિબારામ અને તેની પ્રેમિકા પંખા વડે બાંધેલ રૂમાલ અને ઓઢણી સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા.આ અંગે પોલીસને જાણ કરતા લીંબાયત પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. બંનેએ આત્મહત્યા કેમ કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.