બંગાળના શિક્ષણ ભરતી કૌભાંડમાં ઇડીનો સપાટો : બંગાળના મંત્રીના સગાના ઘરેથી ૨૦ કરોડ જપ્ત, નોટોના ઢગલાની તસવીર વાઇરલ
કોલકાતા, તા. 23 જુલાઈ 2022,શનિવારપશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના ગણાતા અર્પિતા મુખર્જીના ઘરે ઇડીએ દરોડા પાડયા હતા. કલાકો સુધી ચાલેલી ઇડીની કાર્યવાહી દરમિયાન એજન્સીએ ૨૦ કરોડ રૃપિયા રોકડા જપ્ત કર્યા છે. આ કાર્યવાહીની તસવીરો સામે આવી છે તેમાં નોટોનો અંબાર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અર્પિતાના ઘરેથી ઇડીને ૨૦ મોબાઇલ પણ મળ્યા, મંત્રી પાર્થ ચેટર્જીના ઘરે એજન્સીએ ૧૧ કલાક સુધી તપાસ કરીઇડીએ પશ્ચિમ બંગાળમાં શિક્ષણ ભરતી કૌભાંડમાં જે તપાસ ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને આ દરોડા પાડયા હતા. ઇડીને અર્પિતાની સામે ઘણા પુરાવા પણ મળ્યા છે. જે બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા. અર્પિતા ઉપરાંત ઇડી દ્વારા અન્ય કેટલાક લોકોના સ્થળોએ પણ તપાસ ચાલી રહી છે. આ લિસ્ટમાં મંત્રી પાર્થ ચેટર્જી, રાજ્યના શિક્ષણ મંત્રી માણિક ભટ્ટાચાર્ય, આલોક કુમાર સરકાર, કલ્યાણ મોય ગાગુલીનો પણ સમાવેશ થાય છે. આ બધાનું કનેક્શન બંગાળ શિક્ષણ ભરતી કૌભાંડમાં સામે આવ્યું છે. ઇડીએ અર્પિતાના ઘરેથી ૫૦૦ અને ૨૦૦૦ની નોટોમાં ૨૦ કરોડ રોકડા ઉપરાંત ૨૦ મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. જોકે આ મોબાઇલનો ઉપયોગ અર્પિતા ક્યા કામો માટે કરી રહી હતી તે ખુલાસો નથી થયો અને તેની તપાસ ચાલી રહી છે. મોટી સંખ્યામાં નોટો હોવાથી ગણતરી માટે બેંકોના અધિકારીઓને મશીન સાથે બોલાવવામાં આવ્યા હતા. ગણતરી હજુ પણ ચાલુ હોવાથી કુલ જપ્ત રકમની સંખ્યા વધુ હોઇ શકે છે. એવા પણ અહેવાલો છે કે ઇડીની એક ટીમ મંત્રી પાર્થ ચેટર્જીના ઘરે કલાકો સુધી હાજર રહી હતી. જોકે તેના ઘરેથી શું જપ્ત કર્યું કે પ્રાપ્ત કર્યું તે અંગેની જાણકારી ઇડી દ્વારા જારી કરવામાં નથી આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.