આંગણવાડીઓ થકી દેશના ભવિષ્યનું થઈ રહ્યું છે ઘડતર: રાણપુરની આંગણવાડીના બાળકોની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા - At This Time

આંગણવાડીઓ થકી દેશના ભવિષ્યનું થઈ રહ્યું છે ઘડતર: રાણપુરની આંગણવાડીના બાળકોની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા


મારે મોટાં થઇને કલેકટર બનવું છે : નાનકડા બાળકોની કાલીઘેલી બોલીમાં મોટાં મોટાં સપનાઓ સાંભળી આનંદીત થતાં મંત્રી

આજરોજ આયુષ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ રાણપુરની આંગણવાડીના બાળકોની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે બાળકો સાથે ગોષ્ઠી કરી પોષણક્ષમ આહાર વિશે માહિતી આપી હતી.

આ અવસરે બાળકો સાથે વાત કરતા ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, આપણાં જીવનમાં શાકભાજી-ફળો સહિતના આરોગ્યવર્ધક આહારનું ખૂબ જ મહત્વ છે. આંગણવાડીએ આવતા તમામ બાળકોનું આઈ.ક્યુ લેવલ ખૂબ સારૂં છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ બાળકો સાથે સવાલ-જવાબ કરી ગોષ્ઠી કરી હતી. મંત્રી બાળકોના જવાબો સાંભળી આનંદીત થયા હતા. સાથોસાથ તેમણે આંગણવાડી કર્મચારીઓને અનુરોધ કર્યો હતો કે, કેલેન્ડર પ્રમાણે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે અને કુપોષિત બાળક હોય તો તેને સુપોષિત કરે. કેન્દ્રીય મંત્રીશ્રીએ રાજ્યની આંગણવાડી કેન્દ્રોમાં ચાલતી પોષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગેની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે મંત્રીશ્રીએ "બાળકોને મોટા થઈને શું બનવું છે?" તેવો પ્રશ્ન પૂછતા જવાબમાં એક બાળકે કહ્યું હતું કે, “મારે મોટાં થઇને કલેકટર બનવું છે”. નાનકડા બાળકોની કાલીઘેલી બોલીમાં મોટાં મોટાં સપનાઓ સાંભળીને કેન્દ્રીય મંત્રી આનંદીત થયા હતા.

આ મુલાકાત દરમિયાન ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી મુકેશભાઈ પરમાર, બરવાળા પ્રાંત અધિકારી પી.ટી.પ્રજાપતિ સહિત અધિકારીઓ, આંગણવાડી કાર્યકરો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.