રાજકોટ શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન.
રાજકોટ શહેર તા.૨૬/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર કક્ષાની ઉજવણી અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારની અધ્યક્ષતામાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી. આ અવસરે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું અભિવાદન કરાયું હતું અને વિવિધ સરકારી કચેરીઓમાં ઉત્તમ કામગીરી કરનારા ૩૫ જેટલા કર્મયોગીઓનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સવારે ૯ કલાકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર તથા રાજકોટ શહેર-૧ પ્રાંત અધિકારી ચાંદની પરમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અધિકારી દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું. બાદમાં રાજકોટ પોલીસ દળ, હોમગાર્ડ તથા ૨-ગુજરાત ગર્લ્સ બટાલિયન, NCC ની ગર્લ્સ કેડેટસની પ્લાટુને શિસ્તબદ્ધ રીતે કદમતાલ સાથે રજુ કરેલી માર્ચ પાસ્ટે નાગરિકોમાં જુસ્સો ભરી દીધો હતો. આ અવસરે પ્રાસંગિક ઉદબોધન કરતા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારે કહ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા પ્રજાસત્તાક આપણા દેશને વર્ષ ૨૦૪૭માં ‘‘વિકસિત દેશ’’ બનાવવાનું વિઝન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે, ત્યારે આપણે સૌ દેશહિતમાં શ્રેષ્ઠ યોગદાન આપીને દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા નાગરિક ધર્મ નિભાવીએ એ સમયની માગ છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭થી લઈને વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં ૧૮૦૭ આવાસો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. મનરેગા હેઠળ રાજકોટ જિલ્લામાં ૧૬,૮૫૩ જોબકાર્ડ ઈશ્યૂ કરાયા છે અને કુલ ૬૩૧૯ કુટુંબોને ૨.૬૩ લાખ માનવદિનની રોજગારી અપાઈ છે. આરોગ્ય ક્ષેત્રની પ્રગતિ અંગે તેમણે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૫,૧૮,૧૭૫ આયુષ્યમાન ભારત PMJAY મા કાર્ડ કાઢવામાં આવ્યા છે. નિક્ષણ પોષણ સહાય યોજના હેઠળ જાન્યુઆરી ૨૦૨૪થી નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ૧૭૦૫ દર્દીઓને રૂ. ૪૬,૪૮,૫૦૦ની સહાય ચૂકવાઈ છે. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં ૩,૫૦,૬૩૧ બાળકોના આરોગ્યની તપાસ કરાઈ. જેમાં ૩૨,૧૨૮ બાળકોમાં આરોગ્ય વિષયક ખામી સામે આવી. જેમાંથી ૨૫,૩૪૯ બાળકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી. જ્યારે ૬૭૭૯ બાળકોને દવાખાના કે હોસ્પિટલમાં સારવારમાં આપવામાં આવી હતી. જ્યારે અતિ ગંભીર બીમારીવાળા ૧૭૫ બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર અપાતાં, તેમને નવજીવન મળ્યું છે. વર્ષ ૨૦૨૪ દરમિયાન, રાજકોટમાં મદદનીશ નિયામક રોજગાર કચેરી દ્વારા ૩૩ ભરતી મેળા યોજવામાં આવ્યા, જેમાં ૨૨,૪૩૯ યુવાનોને પ્લેસમેન્ટ મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, રમત ગમત ક્ષેત્રે રાજકોટ જિલ્લાના રમતવીરો હવે રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી રહ્યા છે. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ૬૮મી નેશનલ સ્પર્ધામાં અંડર ૧૪ની સ્પર્ધાઓમાં રાજકોટના યુગ મકવાણાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ, પૂજા મુંગરાએ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ, વિશાલ મકવાણાએ ટેક્વેન્ડોમાં સિલ્વર મેડલ તથા હિર પિત્રોડાએ સ્વિમિંગમાં ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જે રાજકોટ જિલ્લા માટે ગર્વની વાત છે. ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાઓમાં અંડર-૧૪માં હેમાલી વ્યાસે ૫૦ મીટર બ્રેક સ્ટ્રોકમાં બ્રોન્ઝ મેડલ, દેવર્ષ બોરખતરીયાએ ચેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. નીતિ રાકેશ રાઠોડે દિવ્યાંગ શ્રેણીમાં સ્વિમિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીત્યો છે. રાજકોટ જિલ્લામાં વન નેશન વન રેશનકાર્ડ યોજના હેઠળ જિલ્લામાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ૧,૮૬,૩૦૭ લાભાર્થીઓને પોર્ટેબિલિટી દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ‘‘એક પેડ મા કે નામ’’ અભિયાન હેઠળ રાજકોટ જિલ્લામાં કુલ ૪૩.૯૮ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સૌની યોજના હેઠળ રાજકોટ શહેરમાં આજી-૧ તથા ન્યારી-૧ જળાશયોમાં નર્મદાના નીર આપવાની કામગીરી ચાલુ છે. રાજકોટ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજકોટ વર્તુળ કચેરી દ્વારા ૬૬૭ ફીડરો કાર્યરત કરવામાં આવ્યા છે. ખેતીવાડીમાં વીજ વપરાશ માટે કુલ ૩૭૭૯ નવા વીજ જોડાણો ખેડૂતોને આપવામાં આવ્યા છે. ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં વર્ષ દરમિયાન ૧,૬૦,૯૭૭ પશુઓને ખરવા મોવાસા રોગનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના હેઠળ વર્ષ ૨૦૨૪માં ૩૯૭૦ દીકરીઓની અરજી મંજૂર કરવામાં આવી છે. કલેક્ટરની ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) ગ્રાન્ટમાંથી જિલ્લાની ૨૩ શાળાઓને સ્માર્ટ ક્લાક માટે રૂ. ૧૬.૬૨ લાખની ફાળવણી કરવામાં આવી છે. દેશની સ્વતંત્રતા માટે ત્યાગ, બલિદાન આપનારા રાજકોટના વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોના સભ્યોનું સૂતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં રાજકોટની કોસ્મિક સ્કૂલ, સેન્ટ ગાર્ગી સ્કૂલ, ન્યુ એરા સ્કુલ દ્વારા સંગીતના તાલ પર વિવિધ દેશભક્તિપૂર્ણ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. એ પછી આત્મીય સ્કૂલના વિદ્યાર્થીઓએ યોગાસન-પિરામીડની રજૂ કરેલી દિલધડક કૃતિએ લોકોના દિલ જીતી લીધા હતા. બાદમાં રાજકોટ જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા વિવિધ વિભાગોના ૩૫ જેટલા કર્મચારીઓનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ અધિકારીશ્રીઓ તથા મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી મનીષભાઈ રાડીયા, મામલતદાર-પૂર્વ એસ.જે.ચાવડા તથા પશ્ચિમ-મામલતદાર જોશી, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાનો સ્ટાફ, છાત્રો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
