રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાયું: ઠેર – ઠેર બંદોબસ્ત
રાજકોટમાં આજથી એક મહિના પહેલા એટલે કે, તા.25 મે ના રોજ કાલાવડ રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં અચાનક આગ ભભુકી ઉઠતા આ અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. બનાવથી ચોતરફ અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકોને ન્યાય મળે તેવી માંગ સાથે આજે તા.25 જુનના રોજ રાજકોટ બંધનું એલાન છે. જેના પગલે સમગ્ર રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
ગેમઝોન અગ્નિકાંડમાં સરકારી અધિકારીઓની બેદરકારી ખુલી છે. જેના પગલે રાજકોટ મનપાના ટીપીઓ એમ.ડી.સાગઠીયા, એટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, આસી. એન્જી જયદીપ ચૌધરી, વેસ્ટઝોન એટીપીઓ રાજેશ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે.ઠેબા, કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ પોલીસે કરી છે.
આ તરફ રાજકોટ શહેર પોલીસની ખાસ તપાસ ટીમ ગુના અંગે તપાસ કરી રહી છે તો બીજી તરફ રાજય સરકાર દ્વારા આઈપીએસ સુભાષ ત્રિવેદીના વડપણવાળી સીટની રચના કરવામાં આવેલી જેણે ઘટના અંગે સરકારને રિપોર્ટ સોંપ્યો છે. સમગ્ર બનાવ અંગે કોંગ્રેસ અગાઉથી જ સીટ બદલવા માંગ કરી રહી હતી. બનાવ બન્યાની તારીખથી પ્રદેશ કોંગ્રેસના મોટા ગજાના નેતાઓએ રાજકોટમાં ધામા નાખ્યા છે. ધરણા, રેલી, આવેદન, કેન્ડલ માર્ચ વગેરે કાર્યક્રમો થકી મૃતકોને ઝડપી ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી રહી છે જેને પગલે આજે અગ્નિકાંડના હતભાગીઓની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે.
જેથી સમગ્ર શહેરમાં ઠેક ઠેકાણે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તમામ ડીસીપીને ખાસ નજર રાખવા સીપીનું સૂચન છે. ઉપરાંત એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ફિલ્ડમાં છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, લોકરક્ષક વગેરેને જુદા-જુદા પોઈન્ટ પર સ્ટેન્ડ બાય રખાયા છે. હોમગાર્ડ, ટીઆરબી જવાનોને પણ ફરજ સોંપાઈ છે.
શહેરની મુખ્ય બજારોના કેટલાક વેપારી સંગઠનોએ બંધમાં જોડાવા સમર્થન આપ્યું છે. જેને પગલે આજે પરાબજાર, બંગડીબજાર, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી મેઈન બજાર, જંકશન પ્લોટ મેઈન બજાર, કેનાલ રોડ, સામાકાંઠાના પેડક રોડ, સંતકબીર રોડ, આ તરફ ગાંધીગ્રામની બજાર, રેલનગર, મવડીની બજાર સહિતની બજારોમાં પોલીસ બંદોબસ્ત રખાયો હતો.
શહેરના મુખ્ય માર્ગો, યાજ્ઞીક રોડ, રૈયા રોડ, કાલાવડ રોડ, યુનિ.રોડ, ઢેબર રોડ, ત્રિકોણબાગ, ગોંડલ રોડ સહિતના માર્ગો પર જુદા-જુદા પોઈન્ટ પર પોલીસનો પહેરો મુકાયો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.