NRIની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી ભૂમાફિયાએ પચાવી પાડી - At This Time

NRIની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી ભૂમાફિયાએ પચાવી પાડી


કલેક્ટરના આદેશ બાદ પોલીસે મહિલા સહિત 5 ભૂમાફિયા સામે નોંધી ફરિયાદ

રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા યોજાયેલી બેઠક બાદ પારકી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધવાના આદેશને પગલે તાલુકા પોલીસે વૃદ્ધ એનઆરઆઇની ફરિયાદ પરથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ અમેરિકાના ટેક્સાસ શહેરમાં રહેતા અરવિંદભાઇ હરિલાલ ગાંધી નામના વૃદ્ધે કેવડાવાડીમાં રહેતા સંજય ઉર્ફે લાલો ધના પાલિયા, હરિ મનુ, હિતેશ ઉર્ફે પ્રકાશ છોટાલાલ દવે, પ્રશાંત હસમુખ નિર્મળ અને લાભુબેન પ્રવીણ ચૌહાણ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, પોતે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હોય અવારનવાર રાજકોટ આવતા રહેતા હતા. ત્યારે રાજકોટમાં પોતાને રોકાણ કરવું હોય 1988માં મોટામવા ગામની સીમમાં બિનખેતી અને ઇમારત બાંધવાની મંજૂરીવાળો 200 ચો.વારનો પ્લોટ વેચાણ દસ્તાવેજથી ખરીદ કર્યો હતો.

દરમિયાન ઉપરોક્ત પ્લોટ વેચવો હોય 2017માં જમીન દલાલને વાત કરી હતી. જમીન દલાલે તપાસ કરતા તેમની જમીનના સંજય પાલિયાએ પોતાના નામનો ડમી માણસ હરિ મનુને હાજર રાખી બનાવટી સહી કરી પોતાની જમીનનો બોગસ દસતાવેજ બનાવ્યો હતો અને બનાવટી દસ્તાવેજની રજિસ્ટર ઓફિસમાં નોંધ પણ કરાવી હતી. જેમાં સાક્ષી તરીકે પ્રકાશ દવે, પ્રશાંત નિર્મળએ સહી કરી હોવાની વાત કરી હતી. તેમજ તે જમીન ઉપરોક્ત આરોપીઓએ રૂ.28 લાખમાં કેશોદના ગવર્નમેન્ટ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા લાભુબેન ચૌહાણને ઉત્તરોત્તર દસ્તાવેજ કરી આપ્યો હતો. જેથી કેશોદની મહિલા લાભુબેને જમીન ફરતે ફેન્સિંગ કરી દીધી હતી. આ કૌભાંડમાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ગોંડલિયાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ભૂમાફિયાની ધરપકડની તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon