રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્રની દાદાગીરી : મીડિયાને દબાવી દેવા પ્રયાસ. - At This Time

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્રની દાદાગીરી : મીડિયાને દબાવી દેવા પ્રયાસ.


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્રની દાદાગીરી સામે આવી છે. અહીં મીડિયાને દબાવી દેવા પ્રયાસ થઈ રહ્યો છે. ડોક્ટરોની સેફટી માટે મુકેલા ગાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ પત્રકારેને વોર્ડમાં પ્રવેશ પર પાબંધી ફરમાવી દેવાઈ છે. પોતાની ભૂલો છુપાવવા પ્રેસની સ્વતંત્રતા છીનવી લેવા પ્રયત્ન થઈ રહ્યો હોય તેવા નિર્દેશ થઈ રહ્યા છે.

આ તરફ જોહુકમીની હદ થતી હોય તેમ વિવાદ થશે તેવો સંકેત મળતા હવે પત્રકારોને વોર્ડમાં પ્રવેશ મળે તે માટે વિચારણા શરૂ થઈ છે. પણ પત્રકાર વોર્ડમાં જશે ત્યારે ગાર્ડ ભેગા આવશે તેવો ફતવો કરવા કવાયત થઈ રહી હોવાનું સૂત્રો કહીં રહ્યા છે. આ વિવાદનો પાયો ત્યારે નખાયો જ્યારે ગત શનિવારે ડોકટર અને કોન્ટ્રાકટ બેઇઝ મહિલા કર્મચારી વચ્ચે ઝપાઝપી થઈ હતી.

વોર્ડમાં જ એક બીજાએ સામ સામે ફડાકા મારી લીધાનો આક્ષેપ થયો હતો. આ પછી પહેલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. પછી ડોકટરો પણ એકત્ર થયા હતા અને બનાવ વખતે હાજર સિક્યુરિટી સ્ટાફ તમાશો જોતો હતો તેવો આક્ષેપ કર્યો હતો. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ત્રિવેદીને મળી તમામ ડોક્ટરોએ સિક્યુરિટી વધારવા સહિતની માંગ કરી હતી. માંગ નહીં સંતોષાય તો હડતાલની ચીમકી આપી હતી.

જેથી તુરંત બાઉન્સરો મુકાઈ ગયા હતા. આ પછી નિવૃત્ત આર્મી મેનની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હાલ 10 જેટલા નિવૃત્ત ફૌજીઓને પણ સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા વોર્ડ અને ઇમરજન્સી વિભાગમાં ગોઠવી દેવાયા છે. સિક્યુરિટી ગાર્ડ વધારવાનો હેતુ ડોક્ટરોની સલામતીનો છે. જોકે પેટમાં પાપા રાખી બેઠેલા તંત્રએ તકનો લાભ લઇ મીડિયાને પણ નો-એન્ટ્રી આપી દીધી છે.

સૂત્રોએ જણાવ્યું કે, પત્રકારો સમયાંતરે સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલીયા વાડી ઉઘાડી પાડે છે. કરોડોની ગ્રાન્ટ મળવા છતાં દર્દીઓને જે હાલાકી પડતી હોય તેને મીડિયા ઉજાગર કરે છે અને સરકાર સુધી તંત્રની બેદરકારીની હકીકત પહોંચાડે છે. જેથી તંત્રના પેટમાં તેલ રેડાય છે.

સરકારમાંથી ઠપકા પણ મળે છે. આ કારણે ડોક્ટરોની સુરક્ષા માટે મુકાયેલા ગાર્ડસનો દુરુપયોગ કરી મીડિયા તંત્રની કોઈ બેદરકારી ઉજાગર ન કરી શકે, દર્દીઓને પડતી હાલાકી જાહેર ન કરી શકે, દર્દીઓની સમસ્યા સરકાર સુધી ન પહોંચે અને તંત્રના પાપ ઢકાયેલા રહે તે માટે પત્રકારો પર લગામ લગાવવા કારસો રચવામાં આવ્યો છે.

પત્રકારો વિવાદ ખડો કરશે. વાત સરકાર સુધી પહોંચશે તેવો ભય સિવિલ હોસ્પિટલના તંત્ર વાહકોમાં ફેલાયો છે. તે અંગે સૂત્રોએ કહ્યું કે, પત્રકારો ઉપર સુધી ફરિયાદ કરે તે પહેલાં જ આ વિવાદમાં કોઈ ચાલાકી વાપરવા તંત્ર વિચારી રહ્યું છે. સૂત્રોએ નિર્દેશ આપ્યો છે. સિવિલ હોસ્પિટલના મહત્વના અધિકારીઓ સિક્યુરિટી વ્યવસ્થાના સુપરવાઈઝર, કોન્ટ્રાકટર વગેરે સાથે ચર્ચા કરશે.

હંગામી ધોરણે નિયમિત રિપોર્ટિંગ કરતા પત્રકારોને પાસ બનાવી આપશે. પણ જ્યારે પત્રકાર વોર્ડમાં જશે ત્યારે સાથે એક ગાર્ડ રહેશે. આ ગાર્ડસ સિવિલ હોસ્પિટલની બેદરકારી દર્શાવતી તસવીરો લેવા પર પત્રકારોને અટકાવશે. આ તરફ પત્રકારો રાહ જોઈ રહ્યા છે આગળ શું શું થવાનું છે.?


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.