ટી-20માં યુવરાજ સિંહે આજના દિવસે જ એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારીને રચ્યો હતો ઇતિહાસ
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે. યુવરાજ સિહે પોતાની કરિયર દરમિયાન કેટલીક યાદગાર ઇનિંગ રમી છે, તેને એક આવી જ ઇનિંગ ટી-20 વર્લ્ડકપ 2007માં રમી હતી. યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આજના દિવસે જ સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. યુવી ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં આમ કરનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.
ટી-20 વર્લ્ડકપ 2007ની એક ગ્રુપ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ બેટિંગ કરતા 218 રન બનાવ્યા હતા. આ દરમિયાન યુવરાજ સિંહે માત્ર 16 બોલનો સામનો કરતા 58 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહે આ દરમિયાન 7 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. ખાસ વાત આ હતી કે તેને સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. ભારતીય ઇનિંગ દરમિયાન 19મી ઓવર સ્ટુઅર્ટ બ્રોડે કરી હતી. યુવરાજ સિંહે પ્રથમ બોલમાં જ સિક્સર ફટકારી હતી. તે બાદ તેને સતત પાંચ સિક્સર ફટકારી હતી. આ રીતે આ ઓવરમાં છ સિક્સરની મદદથી 36 રન બન્યા હતા.
ભારતે આપેલા પડકારનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 200 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન ટીમ માટે સૌથી વધુ 43 રન વિક્લમ સોલંકીએ બનાવ્યા હતા. કેપ્ટન પોલ કોલિંગવુડ 20 બોલમાં 28 રન જ બનાવી શક્યો હતો. ભારત માટે શાનદાર બોલિંગ કરતા ઇરફાન પઠાણે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે આરપી સિંહે 2 વિકેટ ઝડપી હતી. હરભજન સિંહને એક સફળતા મળી હતી. ટીમ ઇન્ડિયા આ મેચ 18 રને જીતી ગયુ હતુ.
જ્યારે પણ ટી-20 વર્લ્ડકપની વાત આવે છે ત્યારે યુવરાજ સિંહના એક જ ઓવરમાં ફટકારેલા છ સિક્સરને જરૂર યાદ કરવામાં આવે છે. યુવરાજ સિંહના લગ્નમાં પણ બ્રોડને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.