એક આર્મી મેન આવું કરી શકે ખરું : વાવ ગામે નિવૃત આર્મી મેનએ પત્ની પુત્ર પર કર્યું ફાયરિંગ - At This Time

એક આર્મી મેન આવું કરી શકે ખરું : વાવ ગામે નિવૃત આર્મી મેનએ પત્ની પુત્ર પર કર્યું ફાયરિંગ


સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં વાવ ગામની ચંદ્રદર્શન સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મીમેને તેના 15 વર્ષીય પુત્ર અને પત્ની પર બે રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઈ હતી. ફાયરિંગ દરમ્યાન એક ગોળી પુત્રના જમણા હાથના પંજામાં વાગી હતી. સૌપ્રથમ પુત્રએ પિતાને માથામાં વાયપર મારતા ગુસ્સામાં પિતાએ ગોળી ચલાવી દીધી હતી. પિતા પુત્ર બંનેને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે..

મૂળ ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના રહેવાસી અને હાલ કામરેજના વાવ ગામે આવેલી ચંદ્રદર્શન સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર ઓમપ્રકાશ સાકીયા નિવૃત્ત આર્મીમેન છે અને હાલ સુરતમાં બોડીગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની સંગિતાબેન, પુત્ર પ્રિન્સ અને પુત્રી જાસમીન છે. ધર્મેન્દ્ર નોકરી પરથી આવી ઘરે બેઠા હતા તે સમયે તેમણે પુત્ર પ્રિન્સને તું મોબાઇલ ફોનનો વધારે ઉપયોગ કરે છે. ભણવામાં ધ્યાન આપતો નથી એવું કહેતા પત્ની સંગિતાએ પુત્રનો બચાવ કરતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી તેણીએ પોતું મારવાનું વાયપર પિતાના માથામાં મારી દીધું હતું. પિતા ધર્મેન્દ્રના માથામાંથી લોહી નીકળવા લગતા તેઓ ગુસ્સામાં આવી બેગમાંથી રિવોલ્વર કાઢી તમને બંનેને મારી નાખું છું એમ કહી એક રાઉન્ડ ફાયરિંગ કરતાં ગોળી કિચનમાં વાગી હતી.

ઘટના બાદ બીજું ફાયરિંગ કરતાં તેની ગોળી પ્રિન્સના જમણા હાથના પંજા પર વાગી હતી. ગોળીનો અવાજ સાંભળી આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. અને ધર્મેન્દ્રના હાથમાંથી રિવોલ્વર છીનવી લીધી હતી. દરમ્યાન પિતા પુત્ર બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે પત્ની સુનિતાએ કામરેજ પોલીસ મથકમાં પતિ ધર્મેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેથી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon